આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બીમારીઓનું કુદરતી રીતે નિવારણ કરી શકીએ છીએ. કુદરતી દર્દનિવારક જડીબુટ્ટી માં ગુગળ નો સમાવેશ થાય છે.
ગુગળ એક વૃક્ષ છે. તેમાંથી જે ગુંદર નીકળે છે તેનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. ગુગળ નો ધાર્મિક રૂપે પણ ઉપયોગ કરાય છે. ગુગળના ધૂપ થી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ગુગળના ઉપયોગ દ્વારા બીમારીઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આનુ સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ નહીંતર તે નુકસાનદાયક પણ બની શકે છે. ગુગળ ડાયાબિટીસની સમસ્યા, સોજો, સાંધાના દુખાવામાં ખૂબ જ લાભકારી છે. બીજા અન્ય ફાયદા વિશે પણ વિસ્તારપૂર્વક જાણીએ.
ગુગળ ના ફાયદા:- ગુગળ વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ થી ભરપૂર હોય છે. તેનું વાનસ્પતિક નામ ‘કોમિફોરા વ્હાઇટ’ છે. આને અંગ્રેજીમાં ‘ભારતીય બડેલિયમ’ કહેવાય છે ગુગળના ગુંદરને ઔષધિના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. ગૂગળ ની તાસીર ગરમ હોય છે અને આ સ્વાદમાં કડવો હોય છે.
1. કબજિયાતમાં રાહત આપે:- પાચનતંત્રમાં ગડબડ હોવાના કારણે એસિડીટી, અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. ગુગળ પાચનને સુધારે છે. ગુગળ નું ચૂરણ કબજિયાત અને એસિડિટીની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. પાચનને સારું રાખવા માટે તમે ગુગળ નું સેવન કરી શકો છો.
2. ઘાવ ભરવા માં ઉપયોગી:- સામાન્ય રીતે આપણને કંઈપણ વાગ્યું હોય તો તેનો ઘાવ ભરાતા સમય લાગી શકે છે, પરંતુ ગુગળ ના ઉપયોગથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. ગુગળ ના ઉપયોગ થી દુખાવો અને બળતરા થી પણ આરામ મળે છે. ઘાવ ઉપર ગુગળ નો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
3. સાંધાના દુખાવામાં ઉપયોગી:- ગુગળ માં ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સાંધાનો દુખાવો દૂર કરીને સોજામાં રાહત આપવાનું કામ કરે છે. શરીરમાં વાયુ દોષ વધવાના કારણે સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા થાય છે. આ વાયુને સંતુલિત રાખવામાં મદદ કરે છે તેથી દુખાવામાં રાહત થાય છે. ગુગળ ગઠિયા વા માં ફાયદાકારી છે. ગુગળના સેવનથી હાડકા પણ મજબુત બને છે.
4. ડાયાબિટીસમાં ફાયદાકારી:- ગુગળ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે, અને બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રાખે છે. આયુર્વેદ પ્રમાણે વાયુ અને કફ દોષ ના અસંતુલન ના કારણે ડાયાબિટીસ થાય છે. ગુગળ માં વાયુ અને કફને દૂર કરવાના ગુણ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગુગળ અતિલાભકારી છે. ડાયાબિટીસના દર્દીઓ ગુગળનું સેવન ડોક્ટરની સલાહ પ્રમાણે કરી શકે છે.
5. ત્વચા માટે લાભકારી:- આયુર્વેદમાં ગુગળ નો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. ગુગળ ત્વચામાં રહેલા ખીલથી છુટકારો અપાવે છે. ગુગળ માં એસ્ટ્રિજન ગુણ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. પરંતુ વધુ પડતા ગુગળ ના ઉપયોગથી ત્વચા શુષ્ક થઈ શકે છે, અને ગુગળની તાસીર ગરમ હોય છે. પિત્ત ની સમસ્યા વાળા લોકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે આનું સેવન કરવું જોઈએ.
6. ગુગળ ના નુકસાન:- જો ગૂગળનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી તેના નુકસાન પણ થઈ શકે છે. આના વધુ પડતા સેવનથી મોતિયા ની સમસ્યા થઈ શકે છે તથા ત્વચામાં શુષ્કતા આવી શકે છે. તેથી ગુગળ નું સેવન કરતા પહેલા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.