આજની જીવનશૈલી અને ભોજનમાં પોષક તત્વોના અભાવને કારણે આજના સમયમાં લો બ્લડપ્રેશરની સમસ્યા ઓછી ઉંમર ના લોકો માં પણ જોવા મળે છે. લો બ્લડપ્રેશર થી બચવા માટે નિષ્ણાતો હમેશા સંતુલિત ભોજન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપે છે. બ્લડ પ્રેશરની સમસ્યા હૃદયથી જોડાયેલી ગંભીર બીમારીઓનુ મુખ્ય કારણ છે. સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન, નિયમિત વ્યાયામ અને ધુમ્રપાન વગેરે ઓછું કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે.
કેટલાક લોકો લો બ્લડ પ્રેશરથી પરેશાન રહે છે. કામ કરવાના સમયે પણ તેમને સુસ્તી નો અહેસાસ થાય છે. કોઈ જ કામમાં મન નથી લાગતું, સાથે જ ચક્કર આવે છે અને જલ્દી થાકી જવાનો અહેસાસ થાય છે. લો બ્લડ પ્રેશરવાળા લોકો માટે સામાન્ય દિનચર્યાનું પાલન કરવું પણ અતિ મુશ્કેલ લાગે છે. તેમના માટે બહાર જવું પણ ઘણું મુશ્કેલીરૂપ હોય છે.
લો બ્લડ પ્રેશર ના કેટલાય કારણ હોઈ શકે છે. આનું એક કારણ એ છે કે તમે સંતુલિત ખોરાકનું સેવન ના કરી રહ્યા હોવ. સંતુલિત ખોરાકનું સેવન ન કરવાથી શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળતા નથી. ક્યારેક તો લૉ બ્લડપ્રેશરમાં લોકોને ખાવાનું પણ મન નથી થતું કે પછી કેટલીક વાર લોકો વજન ઓછું કરવા માટે વ્યવસ્થિત ભોજન લેતા નથી જેના કારણે બ્લડ પ્રેશર લો થઈ શકે છે. એવામાં તમારું શરીર સારી રીતે કામ પણ નથી કરી શકતું. બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે સંપૂર્ણ દિવસ દરમિયાન ભરપૂર પ્રમાણમાં ખોરાક લેવો, સાથે જ ભરપૂર પ્રમાણમાં પાણી પણ પીવું જોઈએ, જેથી શરીરમાં એનર્જી જળવાઈ રહે.
લો બ્લડપ્રેશરનું બીજું કારણ છે પાણી ઓછું પીવું. ઘણા ખરા લોકોની પાણી ઓછું પીવાની આદત અને કામ ના સમયે પાણી પીવાનું ભૂલી જાય છે, એવા લોકોમાં લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. એવામાં તમારે આહાર પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે જેથી કરીને આ સમસ્યા ન થાય. તેના માટે તમારે ચોક્કસ ડાયટ પ્લાન અપનાવવો પડે જે નીચે મુજબ છે.
લો બ્લડ પ્રેશર માં સવાર નો નાસ્તો આવો રાખવો:- લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરવા માટે તમે જો સવારમાં ચા પીતા હોય તો તે લઈ શકો છો અને ડ્રાયફ્રૂટ્સ જેવા હેલ્ધી નાસ્તા થી શરૂઆત કરી શકો છો. ત્યારબાદ નાસ્તામાં તમે મગની દાળના પુડલા, ઓટમીલ, ઇંડુ અને ઓટ્સ નો સમાવેશ કરી શકો છો. આનાથી શરીરને જરૂરી એવા દરેક પોષક તત્વો મળે છે. તેના સિવાય તમે નાસ્તામાં દાળ, રોટલી, શાક, અને મીઠા વાળી છાશ ને પણ લઇ શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે મીઠાવાળી છાશનો ઉપયોગ કરવાથી તમને લો બ્લડ પ્રેશર ને સંતુલિત કરવામાં મદદ મળે છે. ફળોના રસનું સેવન સંતુલિત માત્રામાં કરવું કારણ કે આમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જેનાથી બ્લડ પ્રેશર વધારે લો રહે છે. તમારા ભોજનમાં વધુ ને વધુ પીણા નો સમાવેશ કરવો જેથી શરીર ને હાઇડ્રેટેડ રાખી શકાય.
બપોરના ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ:- જો તમે બહાર કામ કરતા હોવ તો બપોરના ખાવામાં ફ્રુટ સલાડ સામેલ કરી શકો છો. લો બ્લડ પ્રેશરવાળા લોકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સલાડ માં તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. તેના સિવાય તમે દાળ, ભાત અને શાક ખાઈ શકો છો. જો તમને શરદી, ઉધરસની સમસ્યા હોય તો મીઠાવાળી છાશ તમે બપોરના ભોજન સાથે લઈ શકો છો. જો તમે નોનવેજ ખાતા હોવ તો બપોરના સમયે માછલી, ઈંડુ અને ચિકન પણ ખાઈ શકો છો.
લો બ્લડ પ્રેશરમાં તમે તમારુ ડાયટ હેવી રાખી શકો છો. પરંતુ આ દરમિયાન તમારે વજન ઓછું કરવાના વિશે વિચારવું ન જોઈએ કારણ કે આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જોકે આ દરમિયાન તમારે બહારનું ખાવાનું સેવન કરવાથી બચવું જોઇએ કારણ કે જંકફૂડ ખાવાથી તમને બીજી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
સાંજના નાસ્તામાં સામેલ કરો આ વસ્તુઓ:- સાંજનો નાસ્તો તમે હેવી રાખી શકો છો તેના માટે તમે ચણાની ચાટ ખાઈ શકો છો. તેના સિવાય જો તમે હેલ્ધી વસ્તુઓ ખાવા ઇચ્છતા હોવ તો ફણગાવેલા કઠોળ પણ સારો વિકલ્પ છે. સાંજના નાસ્તામાં તમે શાકનો સૂપ પણ પી શકો છો. તેનાથી તમને પોષણ પણ મળશે. તમે વિવિધ પ્રકારના શાક ના જ્યુસ પી શકો છો. તેનાથી તમને સ્વાદ પણ મળશે અને તમારું સ્વાસ્થ્ય પણ જળવાશે. તેના સિવાય તમે કોર્ન ચાટ, ભેલપૂરી ચાટ અને હલવો વગેરે સાંજના નાસ્તામાં ખાઈ શકો છો.
રાત્રીના ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ:- રાત્રીના ભોજનમાં તમે એક રોટલી, ભરપૂર પ્રમાણમાં લીલાં શાક અને દાળ ખાઈ શકો છો. તેના સિવાય રાત્રીના ભોજનમાં તમે ઓટમીલનું પણ સેવન કરી શકો છો. આના સિવાય રાત્રીમાં હેવી ભોજન ન લેવું જોઈએ, કારણ કે એવું ભોજન તમારું શરીર સરળતાથી પચાવી શકતું નથી. રાત્રીના ભોજનમાં તમે ખીચડી કે ઉપમા પણ ખાઈ શકો છો. રાત્રે સૂવાના બે કલાક પહેલા જમી લેવાની કોશિશ કરવી.
લો બ્લડપ્રેશરમાં તમારે વધુમાં વધુ પાણીનું સેવન કરવું જોઈએ. શરીરને હાઈડ્રેટ રાખવા માટે તમે મીઠું અને લીંબુનું પાણી પણ પી શકો છો. અને સારા પાચન માટે થોડી કસરત પણ કર જરૂરથી કરવી જોઈએ. તેનાથી શરીર અને મગજ સ્વસ્થ રહે છે સાથે જ તમારું બીપી પણ ચેક કરતા રહેવું જોઈએ. તેનાથી તમારી પોતાની સ્થિતિ કેવી છે તેની તમને ખબર રહે. તેના સિવાય સ્મૂધીનું સેવન ટાળો. કોઈપણ દવાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.